GUJRATI Essay holi હોળી પર નિબંધ


     હોળી પર નિબંધ 

    દર વર્ષે ફાગણ માસની પુનમના દિવસે માર્ચ મહિનામાં આવતો લોકપ્રિય હિંદુ તહેવાર એટલે હોળી. 

     હોળી અને ધુળેટી માત્ર ભારતમાં જ નહીં,અન્ય દેશોમાં પણ ઉત્સાહ અને ઉલ્લાસથી મનાવવામાં આવે છે. હોળીને ‘રંગોનો તહેવાર’ પણ કહેવાય છે. ગુજરાત અને ખાસ કરી સૌરાષ્ટ્રમાં,હોળીને ‘હુતાસણી’થી ઓળખવામાં આવે છે. હોળીના બીજા દિવસ ધુળેટીને ‘પડવો’ કહેવામાં આવે છે. 

     હોળી આવતા લોકો ખુબ ઉત્સાહિત થઇ જાય છે . વર્ષનો આ સમય વસંત ઋતુના વધામણાનો સમય હોય છે. ખેતરો પાકથી લહેરાતાં  હોય છે. યુવાન હૈયાં વસંતની સાથોસાથ ખીલી ઉઠે છે. કુદરતમાં પુષ્પોનો પમરાટ અને એક જાતની માદકતા છવાઈ જાય છે જે ઢોલીના ઢોલ સાથે ગવાતા ફાગણના ફાગ અને ધુળેટીના રંગોમાં રંગાઈને ઝૂમી ઉઠતાં જુવાન નર-નારીઓમાં જણાઈ આવે છે. એટલે તો હોળીને ‘દોલયાત્રા’ કે ‘વસંતોત્સવ’ તરીકે પણ ઓળખવામાં આવે છે.

     હોળીના દિવસોમાં ઘણા વિસ્તારોમાં ગામ લોકો વાજતે ગાજતે ગામમાં બધા જ લતાઓ કે વિસ્તારોમાં ફરીને હોળી માટેનો ફાળો ઉઘરાવવા નિકળે છે, આ લોકોને ઘૈરૈયાઓ કહેવાય છે. સાંજે ગામના પાદર કે મુખ્ય ચોક જેવા સ્થાન પર છાણા,લાકડાં ની ‘હોળી’ ખડકીને હોળી પ્રગટાવવામાં આવે છે.

     લોકો પ્રગટાવેલ હોળીની પ્રદક્ષિણા કરે છે તેમજ શ્રીફળ વગેરે પવિત્ર મનાતી વસ્તુઓથી હોળીનું  પૂજન કરે છે.  ઉજવણીની રીતો અલગ હોઈ શકે એમ છતાં દરેકની ભાવના એક જ હોય છે, અને તે એ કે હોળી પ્રગટાવી આસુરી તત્વોનો નાશ કરવો અને દૈવી શક્તિઓનું સન્માન કરવું

     હોળીના બીજા દિવસે ધુળેટી મનાવાય છે. 

    આ દિવસે સવારથી સૌ કોઇ નાના મોટા એકબીજા  પર અબિલ,ગુલાલ તેમજ કેસુડાનાં રંગો છાંટી, રંગોની વર્ષામાં તરબોળ થઈને પોતાનો ઉત્સાહ અને આનંદ વ્યક્ત કરે છે.  કેટલાક લોકો આ દિવસોએ ભગવાન શિવને યાદ કરી ભાંગના નશાનો આનંદ લઈને મસ્ત બનીને નાચે છે. બોલીવુડની ફિલ્મી દુનિયાની જાણીતી હસ્તીઓ પણ ધુળેટીના રંગોમાં રંગાવાથી બાકાત રહેતી નથી. ”રંગબરસે,ભીગે ચુનરવા” જેવાં ગીતો ઘણી હિન્દી ફિલ્મોમાં જોવા મળે છે. 

    👉 ગુજરાત અને ખાસ કરી સૌરાષ્ટ્રમાં, હોળીને 'હુતાસણી'થી પણ ઓળખવામાં આવે છે, હોળીના બીજા દિવસ ધુળેટીને 'પડવો' કહેવામાં આવે છે. અમુક વિસ્તારોમાં હોળી પછીનાં બે કે ત્રણ દિવસ આ તહેવાર ઉજવાય છે, જેને 'બીજો પડવો','ત્રીજો પડવો' એમ ગણવામાં આવે છે. આ દિવસોમાં પુરુષો દ્વારા દાંડીયા રાસ રમવાનો રિવાજ પણ, ખાસ કરીને પોરબંદર વિસ્તારમાં, છે. ઘણાં આદિવાસી વિસ્તારોમાં હોળી પ્રગટાવ્યા પછી તેની આસપાસ પારંપારીક નૃત્ય કરવામાં આવે છે. યુવાનો દ્વારા આ દિવસોમાં શોર્યપુર્ણ રમતો રમવામાં અને વિવિધ પારંપારીક હરીફાઇ યોજવામાં આવે છે, જેમકે ઘોડાદોડ, આંધળો પાટો, શ્રીફળ ફેંકવાની હરીફાઇ વગેરે. ગ્રામ્ય વિસ્તારોમાં ગામને પાદર આવેલા પૂર્વજોનાં પાળિયાઓનું પૂજન અર્ચન કરવામાં આવે છે. ઘણાં વિસ્તારોમાં હોળીનાં દિવસોમાં ગામ લોકો વાજતે ગાજતે ગામમાં બધાજ લતાઓ કે વિસ્તારોમાં ફરી અને હોળી માટેનો ફાળો (ગોઠ) ઉઘરાવવા નિકળે છે, આ લોકોને ઘેરૈયાઓ કહેવાય છે.

    હોળીનાં દિવસે જેને ત્યાં ગત વર્ષમાં દિકરાનો જન્મ થયો હોય તે લોકો બાળકને શણગારીને હોળીની પ્રદક્ષિણા કરાવે છે,તથા ગામલોકોને પતાસા તથા ખજુર વગેરેની 'લાણ' વહેંચે છે, આ પ્રસંગને દિકરાની વાડ કહેવામાં આવે છે.



     👉 હોળીનાં દિવસે હોળી પ્રગટાવ્યા પછી મોડી રાત્રી સુધી હોળીની આસપાસ બેસી અને જે ગીતો કે દુહાઓ ગાવામાં આવે છે તેને "હોળીનાં ફાગ" તરીકે ઓળખવામાં આવે છે (આ પરંપરા હજુ અમુક ગ્રામ્ય વિસ્તારોમાં ચાલુ છે). આ હોળીનાં ફાગ એક પ્રકારે વસંતોત્સવનું પ્રતિક છે,જેમાં થોડી શૃંગારિક ભાષાનો ઉપયોગ થાય છે. આમાં પ્રકૃતિનું રસિક વર્ણન તેમજ સ્થાનિક પ્રેમગાથાઓ પણ વણી લેવાયેલાં હોય છે.

    👉ભારતનાં મહાન ભક્ત કવિઓએ પણ હોળીનું વર્ણન કરતા ભજનો લખ્યા છે જેમાં:

    "રંગ દે ચુનરિયા.."-મીરાં બાઈ

    "કિનુ સંગ ખેલું હોલી.."-મીરાં બાઈ




    Popular Posts