વિચાર વિસ્તાર || VICHAR VISTAR STD 3 TO8 EXAM PART 2

 


(1) જીવે જે કોઈ સ્વપ્નવિણ, તે જિંદગી જિંદગી ના;
  પ્રેરે કાર્યો નહિ, ન બલ દે, સોણલાં સોણલાં ના.

ઉત્તર : પ્રસ્તુત પંક્તિઓમાં કવિ કહે છે કે જે વ્યક્તિ ભાવિનાં મધુર સ્વપ્નો જોતો નથી તેની જિંદગી નકામી છે. વળી, જે સ્વપ્નો વ્યક્તિને કોઈ નોંધપાત્ર કાર્ય કરવાનું બળ અને પ્રેરણા ન આપે તે સ્વપ્નો સ્વપ્નો જ ન કહેવાય.

ધ્યેયપૂર્ણ મધુર સ્વપ્નો સેવવામાં આપણને અનેરો આનંદ આવે છે. કવિઓ, લેખકો, વિજ્ઞાનીઓ, યુવાનો વગેરે ભાવિનાં મધુર સ્વપ્નો સેવીને જ પોતાના જીવનમાં ઉલ્લાસ રેડે છે. કેવળ સ્વપ્નદ્રષ્ટા બની રહેવાથી આપણું જીવન સફળ થતું નથી. પરંતુ એ સ્વપ્નો મનુષ્યને પ્રચંડ પુરુષાર્થ કરવાની પ્રેરણા પણ આપતાં હોવાં જોઈએ અને એ સ્વપ્નો સાકાર કરવા માટે મનુષ્યે સખત પરિશ્રમ પણ કરવો જોઈએ.

 • આપણે મધુર જીવન માટે સ્વપ્નો સેવીએ અને તેને સાકાર કરવા માટે સખત પરિશ્રમ પણ કરીએ એવું કવિ ઇચ્છે છે.


(2) પૈસા ને વળી પદવીનો, વિશેષ શો વિશ્વાસ;
રાવણ કેરી સિદ્ધિ પણ, પળમાં પામી નાશ.

ઉત્તર : પ્રસ્તુત પંક્તિઓમાં કવિએ પૈસા અને પદવીના મદમાં રાચતા લોકોને ચેતવણી આપતાં કહ્યું છે કે પૈસા અને પદવી વિશ્વાસપાત્ર નથી. તે આજે આપણી પાસે હોય પણ કાલે કદાચ ન પણ હોય.

કવિએ આ વાતના સમર્થનમાં રાવણનું સચોટ ઉદાહરણ આપ્યું છે. રાવણ લંકાનો રાજા હતો. કહેવાય છે કે તેની નગરી લંકા સોનાની બનેલી હતી. આમ છતાં, અભિમાનમાં રાચતા રાવણનો અને તેની સોનાની નગરી લંકાનો નાશ થતાં વાર લાગી નહિ. તેની કીર્તિ પણ ધૂળમાં રોળાઈ ગઈ. સંજોગો બદલાય ત્યારે કરોડપતિ માણસને પણ રોડપતિ થઈ જવામાં વાર લાગતી નથી. ઉચ્ચ સ્થાન ભોગવતી વ્યક્તિને પણ સંજોગો બદલાતાં પદ છોડવાની નોબત આવે છે.

 • મનુષ્ય પૈસો અને પદવી મળતાં અભિમાની થવું ન જોઈએ. આ બંને સુખને વિવેકથી ભોગવવાં જોઈએ.


(3) નગુણે વાસ ન રાખીએ, સગુણાની પત જાય;
ચંદન પડિયું ચોકમાં, ઈંધણ મૂલ વેચાય.

ઉત્તર : આ પંક્તિઓમાં કવિ કહે છે કે જેને ગુણની કિંમત ન હોય અર્થાત્ જેને ગુણ પારખતાં આવડતું ન હોય તેનો સંગ કરવો ન જોઈએ. તેનાથી આપણી કિંમત ઘટી જાય છે.

કવિ કહે છે કે ચોકમાં પડી રહેલું ચંદનનું લાકડું પણ ઈંધણના લાકડા જેટલી જ કદર પામે છે, કારણ કે તે સામાન્ય લાકડાં સાથે પડેલું હોય ત્યારે લોકો તેને ઈંધણને લાયક લાકડું સમજી લે છે. એ જ પ્રમાણે અજ્ઞાની લોકોના હાથમાં હીરામોતી આવી પડે તો તેઓ એની કિંમત કાંકરા જેટલી જ આંકે છે.જે વ્યક્તિને યોગ્ય માણસની કદર કરતાં આવડતું ન હોય, એવી વ્યક્તિથી હંમેશાં દૂર જ રહેવું જોઈએ. આવા માણસોનો સંગ કરવાથી યોગ્ય માણસનું પણ અવમૂલ્યન થાય છે.

 • માણસે કદરહીન વ્યક્તિઓથી સો ગજ છેટે રહેવું જોઈએ અને પોતાના સન્માનનું જતન કરવું જોઈએ.


(4) ઝેરનું અમૃત બનાવી દઉં પરંતુ મુજ કને,
પ્રીત મીરાંની નથી, નરસિંહનું કીર્તન નથી.

ઉત્તર : પ્રસ્તુત પંક્તિઓમાં કવિએ મીરાંની પ્રીત અને નરસિંહના કીર્તનમાં રહેલી પ્રેમલક્ષણાભક્તિનો મહિમા ગાયો છે તથા પોતાની પાસે એવી ભક્તિ નથી એનો સ્વીકાર કર્યો છે.

કવિ કહે છે કે આપણે પણ ઝેરનું અમૃત બનાવી શકીએ; પરંતુ તેને માટે આપણી પાસે મીરાંના જેવી અનન્ય પ્રીતિ અને નરસિંહના જેવી અસાધારણ ભક્તિ હોવી જોઈએ. મીરાં શ્રીકૃષ્ણના પ્રેમમાં દીવાની હતી. તેની પ્રેમભક્તિથી વશ થઈને ગિરિધર ગોપાલે મીરાંને આપવામાં આવેલા ઝેરને અમૃત બનાવી દીધું હતું. નરસિંહ મહેતાના કીર્તનમાં પણ એવી જ અસાધારણ પ્રેમલક્ષણાભક્તિ હતી. તેમણે કીર્તન દ્વારા ઈશ્વરની કૃપા પ્રાપ્ત કરી હતી. તેથી તેમનાં અનેક કામોમાં કૃષ્ણે તેમને મદદ કરી હતી. ભગવાન ભક્તવત્સલ છે. ભક્તની ભક્તિથી પ્રસન્ન થઈ ભગવાન તેને હાજરાહજૂર રહે છે.

 • આમ, પ્રભુને પામવા માટે પ્રેમભક્તિનો માર્ગ કવિને શ્રેષ્ઠ જણાયો છે.

વિચાર વિસ્તાર ભાગ 2 pdf downlod


(5) ઊંચીનીચી ફર્યા કરે,જીવનની ઘટમાળ.
ભરતી તેની ઓટ છે, ઓટ પછી જુવાળ.

ઉત્તર : આ પંક્તિઓમાં કવિ આપણને પરિવર્તનશીલ સમયનું એક સત્ય સમજાવે છે.

જીવનની ઘટમાળ ઊંચીનીચી ફર્યા જ કરે છે. જીવનરૂપી સાગરમાં ક્યારેક સુખરૂપી ભરતી આવે છે તો ક્યારેક દુઃખરૂપી ઓટ પણ આવે છે. જેમ સાગરમાં ભરતી પછી ઓટ નિશ્ચિતપણે આવે છે તેમ આપણા જીવનમાં પણ સુખ પછી દુઃખ ચોક્કસપણે આવે છે. આમ, આપણું જીવન પણ સુખદુ:ખથી ભરેલું છે. મીરાંબાઈ કહે છે તેમ કોઈ દિવસ ખાવાને શીરો ને પૂરી મળે તો કોઈ દિવસ ભૂખ્યાં પણ રહેવું પડે. રાતદિવસ, તડકોછાંયડો, અમાસ પૂનમની જેમ સુખદુઃખ એ માનવજીવનનો નિશ્ચિત ક્રમ છે.

 • સુખ અને દુઃખ કંઈ કાયમ ટકતાં નથી. તેથી આપણે સુખમાં છકી ન જવું અને દુઃખમાં હિંમત ન હારવી. બંને પરિસ્થિતિમાં આપણે સમાન વ્યવહાર કરવો જોઈએ એ જ આ પંક્તિઓનો સાર છે.


(6) નિશાનચૂક માફ, નહિ માફ નીચું નિશાન.

ઉત્તર : આ પંક્તિમાં કવિએ આપણા જીવનના ધ્યેયને સરસ રીતે રજૂ કર્યું છે. દરેક વ્યક્તિએ પોતાના જીવનમાં ઉચ્ચ ધ્યેય રાખવું જોઈએ. ઉચ્ચ ધ્યેય પરિપૂર્ણ ન થાય તે સમજી શકાય, પરંતુ નીચું ધ્યેય રાખવાની મનોવૃત્તિ ક્યારેય ચલાવી લઈ શકાય નહિ.

વિદ્યાર્થીએ ઊંચી ટકાવારીનું ધ્યેય રાખીને તેને હાંસલ કરવા માટે સખત મહેનત કરવી જોઈએ. પછી ભલે તેનું પરિણામ ધાર્યા પ્રમાણે ન આવે. આપણે આપણા જીવનમાં મહારાણા પ્રતાપ, શિવાજી અને સુભાષચંદ્ર બોઝની જેમ ઉચ્ચ આદર્શો અપનાવવા જોઈએ. તેને ફળીભૂત કરવા માટે આપણે સક્રિય પ્રયત્નો પણ કરવા જોઈએ. આપણા પ્રયત્નોનું ધાર્યું પરિણામ ભલે ન આવે, પણ તેનાથી હતાશ થવાની જરૂર નથી.

  • પહેલેથી જ નીચું અને સહેલું ધ્યેય રાખીને એમાં સફળતા મેળવનાર વ્યક્તિનો કશો મહિમા નથી. અંગ્રેજી ભાષાની એક કહેવતમાં આ જ વાત કહેવામાં આવી છે: Not failure, but lowaim is a crime.

  (7) આજ કરશું, કાલ કરશું, લંબાવો નહિ દહાડા;
  વિચાર કરતાં વિઘ્નો મોટાં આવે વચમાં આડાં.


  ઉત્તર : આ પંક્તિઓમાં કવિ કોઈ પણ કાર્ય તાત્કાલિક અથવા સમયસર કરી લેવાની સલાહ આપે છે. કોઈ પણ સત્કાર્ય કરવામાં લાંબો સમય વિચાર કર્યા કરવો એ ખોટું છે. વિચાર કરતાં દિવસો ગાળવાથી કોઈક વાર અનેક વિઘ્નો આડાં આવતાં હોય છે અને પછી તે કાર્ય કદી થઈ શકતું નથી. તેથી કોઈ પણ કાર્યનો અમલ તાત્કાલિક કરવો જોઈએ.

  કબીરે પોતાની પ્રસિદ્ધ સાખીમાં પણ આ જ સલાહ આપી છે.

  • “કલ કરે સો આજ કર,આજ કરે સો અબ”

  કવિ દલપતરામ પણ એ જ કહે છે – ‘આજ આજ ભાઈ અત્યારે'. ગુજરાતીમાં કહેવત છે કે ‘સારા કામમાં સો વિઘન (વિઘ્ન).' સારું કાર્ય હાથમાં લઈએ તેમાં અનેક જાતની મુશ્કેલીઓ આવે જ છે. પરંતુ એ મુશ્કેલીઓનો નિકાલ તત્કાલ કરવો જોઈએ. સંસ્કૃતમાં એક સૂત્ર છે: સારું કામ તાત્કાલિક કરી નાખવું અર્થાત્ ‘ધરમના કામમાં ઢીલ શી?’

  (8) અમને નાંખો જિંદગીની આગમાં,
  આગને પણ ફેરવીશું બાગમાં.


  ઉત્તર : ‘જિંદગીની આગ’ એટલે જીવનનાં કારમાં કષ્ટો તેમજ અસહ્ય વ્યથાઓ. કવિ કહે છે કે અમને ગમે તેવાં કષ્ટ પડે, ગમે તેવી અને ગમે તેટલી પીડા-યાતના ભોગવવી પડે, પણ અમે અમારાં પુરુષાર્થ અને દઢ મનોબળથી આગ (કષ્ટ) ને બાગ (સુખ-આનંદ) માં ફેરવી નાખીશું. આ પ્રકારનું મનોબળ રાખનારા માણસો એમની ઉદારતા, માનવતા, કોમળતા કે પરોપકારની ભાવનાઓથી, જીવનમાં સામાજિક, આર્થિક, રાજકીય કે કુદરતી ગમે તેવી આફત આવી પડે તોપણ મુશ્કેલીઓને દૂર કરે છે.

  • બુદ્ધ, ઈસુ, ગાંધીજી અને લિંકન જેવા મહાત્માઓનાં જીવનમાંથી આપણને જીવનનું એ બળ મળી રહે છે. જિંદગીની આગમાંથી જ તેઓ બાગમાંના ફૂલની જેમ પોતાની સુવાસ સમાજમાં પ્રસરાવી રહે છે.

  (9) કે હીન જન્મે નવ હીન માનવ;
  કે હીન કર્મે કરી હીન માનવ.


  ઉત્તર : માણસ હીન એટલે કે નીચા કુળમાં જન્મે તેથી તે હીન કે ખરાબ ગણાવો ન જોઈએ; પરંતુ માણસ કુકર્મ કરે તો એનાથી તે હીન ગણાવો જોઈએ, એમ કહીને કવિએ દબાયેલા, કચડાયેલા અને શોષિત વર્ગની લાગણીને વાચા આપી છે. આ પંક્તિઓમાં ગાંધીવાદી વિચારસરણી જોવા મળે છે.

  આપણા દેશમાં શબરી, કર્ણ, એકલવ્ય, બાબાસાહેબ આંબેડકર જેવા અનેક મહાપુરુષો થઈ ગયા. તેઓ ઉચ્ચ કુળમાં જન્મ્યા નહોતા, આમ છતાં તેઓ મહાન ગણાય છે. શબરી રામની પરમ ભક્ત તરીકે અમર બની ગઈ. કર્ણને આજે સૌ શૂરવીર બાણાવળી અને દાનવીર તરીકે ઓળખે છે. એકલવ્યને ભલે ગુરુએ પ્રત્યક્ષ જ્ઞાન ન આપ્યું, પણ ગુરુની પ્રતિમા બનાવી, તેમને નજર સામે રાખી તે બાણવિદ્યા શીખ્યો અને ઉત્તમ બાણાવળી તરીકે પંકાયો.

  બાબાસાહેબ આંબેડકર પણ તેમની અદ્વિતીય પ્રતિભાથી ભારતનું રાજ્યબંધારણ ઘડીને ‘ભારતના રાજ્યબંધારણના ઘડવૈયા' તરીકે પ્રતિષ્ઠા પામ્યા. આવા અનેક મહાપુરુષો થઈ ગયા, 

  • જેઓ જન્મથી નહિ, પણ તેમનાં કર્મોથી પ્રતિષ્ઠિત થયા છે. આજે એમને સૌ આદરથી યાદ કરે છે.

  (10) દુર્જન દીઠાં મ્હાલતાં, સંત શૂળીએ જાય;
  દેવ બન્યાં શું અંધ કે અવળો તોળે ન્યાય?

  વિચાર વિસ્તાર ભાગ 2 pdf downlod

  ઉત્તર : આ પંક્તિઓમાં કવિએ આજની દુનિયાનું વાસ્તવિક ચિત્ર રજૂ કર્યું છે. આજે દુનિયામાં અવળી ગંગા વહેતી દેખાય છે. કાળાં કર્મો કરનારા દુર્જનો મોજમજા કરતા હોય છે જ્યારે સત્યને માર્ગે ચાલનારા સંતોને શૂળીએ ચડવું પડે છે. આવું વિરોધાભાસી ચિત્ર જોઈને કવિના મનમાં એવો પ્રશ્ન ઉદ્ભવે છે કે શું ભગવાન પણ અંધ બની ગયો તે આવો અવળો ન્યાય તોળે છે?

  • સત્યના માર્ગે જનારા ઈસુને વધસ્તંભ પર ચડવું પડ્યું હતું. એ જ રીતે સદપ્રવૃત્તિ કરવા બદલ સોક્રેટિસને ઝેર પીવું પડયું હતું. જ્યારે ભ્રષ્ટાચારી અને પાપી લોકો હંમેશાં લીલાલહેર કરતા હોય છે.

  (11) નીચ દષ્ટિ તે નવ કરે, જે મોટા કહેવાય,
  શત લાંઘણ જો સિંહ કરે, તોય તૃણ નહિ ખાય.


  ઉત્તર : આ પંક્તિઓમાં સિંહના ઉદાહરણ દ્વારા આપણને સદાચારી અને સંસ્કારી માણસોના મનોબળનું દર્શન થાય છે. સિંહને સો દિવસના ઉપવાસ કરવા પડે તોપણ તે ભૂખથી લાચાર થઈને ક્યારેય ઘાસ ખાતો નથી. આવી રીતે અનેક મુસીબતો આવી પડે તોય સંસ્કારી માણસ ક્યારેય પોતાનાં નીતિ અને ધર્મ ચૂકતો નથી. તે મરવાનું પસંદ કરશે પરંતુ કદી હલકાં કામ કરવા માટે તૈયાર નહિ થાય.

  કેટલાક લોકો પોતાના અંગત લાભ માટે ગમે તેવાં હલકાં કામો કરવા પણ તૈયાર થઈ જાય છે. એમ કરતાં પોતાના સમાજને, દેશને નુકસાન થતું હોય તો તેની પરવા પણ તે કરતા નથી! દાણચોરો, કાળાંબજાર કરનારાઓ અને ભ્રષ્ટાચારી લોકો આ હલકા વર્ગમાં આવે છે. મહારાણા પ્રતાપ અને ભામાશા જેવા વીરલાઓ સદાય નીતિને માર્ગે જ ચાલે છે. આવા લોકો મહામાનવો તરીકે પૂજાય છે.

  • આપણે પણ સત્ય અને નીતિના માર્ગે ચાલવું જોઈએ. આપણા જીવનમાં ગમે તેવી મુસીબતો આવે તોપણ આપણે સત્યના માર્ગથી વિચલિત ન થવું જોઈએ.

  (12) સજ્જન કેરા સંગથી ટળે બધા પરિતાપ;
  સીલ લાખ પર દાબતાં ઉત્તમ ઊઠે છાપ.  ઉત્તર : પ્રસ્તુત પંક્તિઓમાં કવિએ સજ્જનના સંગનો મહિમા સમજાવવા માટે સીલ અને લાખનું દૃષ્ટાંત આપ્યું છે.

  કવિ કહે છે કે સજ્જનના સંગથી આપણાં બધાં દુઃખોનો અંત આવે છે. જેમ લાખને ગરમ કરીને તેના ઉપર મહોર મારવાથી તેની સુંદર છાપ ઊઠે છે તેમ સજ્જનનો સંગ થતાં આપણું વ્યક્તિત્વ સોળે કળાએ ખીલી ઊઠે છે. ‘જેવો સંગ તેવો રંગ.’ દુર્જનનો સંગ ક્યારેય લાભદાયી નીવડતો નથી. વાલિયો લૂંટારોય નારદમુનિનો સંગ થવાથી વાલ્મીકિ મુનિ બની ગયો હતો.

  • સજ્જનોનો સંગ હંમેશાં લાભદાયક હોવાથી આપણે સજ્જનોનો જ સંગ કરવો જોઈએ.

  (13) ઊગે કમળ પંકમાં તદપિ દેવ શિરે ચડે,
  નહિ કુળથી કિન્તુ મૂલ્ય મૂલવાય ગુણો વડે.


  ઉત્તર : પ્રસ્તુત પંક્તિઓ કવિએ કમળનું ઉદાહરણ આપતાં કહ્યું છે કે કમળ ભલે કાદવમાં ઊગતું હોય પણ એ દેવને ચડાવાય છે. એ જ પ્રમાણે કોઈ પણ વ્યક્તિનું મૂલ્યાંકન તે ક્યા કુળમાં કે વંશમાં જન્મી છે તેના આધારે નહિ, પરંતુ તેનામાં રહેલા ગુણોને આધારે જ કરવું જોઈએ. કમળ કાદવમાં ઊગે છે પરંતુ તેનામાં રહેલી સુવાસ અને તેનું સૌંદર્ય તેને ઉચ્ચ સ્થાને લઈ જાય છે. તેને મંદિરમાં બિરાજેલા દેવને શિરે ચડાવી ઊંચું સ્થાન આપવામાં છે.એ જ રીતે મનુષ્ય તેનામાં રહેલા સદગુણો વડે જ સમાજમાં ઉચ્ચ સ્થાને બિરાજી શકે છે.

  ડૉ. બાબાસાહેબ આંબેડકર એનું જ્વલંત ઉદાહરણ છે.
  મનુષ્યનો જન્મ કેવા કુળમાં થવો તે તેના હાથની વાત નથી, પરંતુ સારા ગુણો કેળવવા મનુષ્યના હાથની વાત છે. તે વિદ્યાભ્યાસથી અને સારા ગુણો કેળવીને સમાજમાં મોભાનું સ્થાન પ્રાપ્ત કરી શકે છે અને અનેક લોકો માટે આદરણીય બની શકે છે.

  • આમ, આપણે કોઈ પણ વ્યક્તિના કુળને મહત્વ ન આપતાં તેનામાં રહેલા સદગુણોને જ મહત્વ આપીએ. આપણે પોતે પણ સારા ગુણો કેળવીએ.

  (14) રેલાઇ આવતી છોને બધી ખારાશ પૃથ્વીની, 
  સિંધુના ઉરમાંથી તો ઊઠશે અમી વાદળી.  ઉત્તર :પ્રસ્તુત પંક્તિઓમાં કવિએ સિધુ (સમુદ્ર) ના ઉદાહરણ દ્વારા આપણને મહાન પુરુષોના હૃદયની વિશાળતાનાં દર્શન કરાવ્યાં છે.

  પૃથ્વી પરની ખારાશ નદીઓને માર્ગે સાગરમાં વહી જાય છે. નદી, નાળાં પોતાની સાથે રેતી, કાંકરા, માટી, કાદવ, કચરો, ગંદકી વગેરે ઘસડી જઈને સાગરમાં ઠાલવે છે. સાગર પોતાના વિશાળ પેટાળમાં તેને સમાવી લે છે. સાગરનું દિલ ઉદાર છે. તે જગતભરની ખારાશને પોતાના અંતરમાં સમાવીને જગતને મધુર સ્વાદવાળા પાણીથી ભરેલાં વાદળાં ભેટમાં આપે છે. આ વાદળાં વસે છે ત્યારે તેનાં મીઠા જળથી જગતની તરસ છીપે છે.


  Popular Posts